06-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.12.2004
બાપદાદા મધુબન
“ બાપદાદા ની વિશેષ આશા -
દરેક બાળક દુવાઓ આપે અને દુવાઓ લે”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફ નાં બેફિકર બાદશાહો ની સભા ને જોઈ રહ્યાં છે. આ રાજસભા આખા કલ્પ માં આ
સમયે જ છે. રુહાની ફખુર (નશા) માં રહો છો એટલે બેફિકર બાદશાહ છો. સવારે ઉઠો છો તો
પણ બેફિકર, ચાલતાં-ફરતાં, કર્મ કરતા પણ બેફિકર અને સુવો છો તો પણ બેફિકર નિંદ્રા
માં સુવો છો. એવો અનુભવ કરો છો ને? બેફિકર છો? બન્યાં છો કે બની રહ્યાં છો ? બની ગયા
છો ને? બેફિકર અને બાદશાહ છો, સ્વરાજ્ય અધિકારી આ કર્મેન્દ્રિયો ની ઉપર રાજ્ય કરવા
વાળા બેફિકર બાદશાહ છો અર્થાત્ સ્વરાજ્ય અધિકારી છો. તો આવી સભા આપ બાળકો ની જ છે.
કોઈ ફિકર છે? છે કોઈ ફિકર? કારણકે પોતાની બધી ફિકર બાપ ને આપી દીધી છે. તો બોજ ઉતરી
ગયો ને? ફિકર ખતમ અને બેફિકર બાદશાહ બની અમૂલ્ય જીવન અનુભવ કરી રહ્યા છો. બધા નાં
માથા પર પવિત્રતા ની લાઈટ નો તાજ સ્વત: જ ચમકે છે. બેફિકર ની ઉપર લાઈટ નો તાજ છે,
જો કોઈ ફિકર કરો છો, કોઈ બોજ પોતાની ઉપર ઉઠાવી લો છો તો ખબર છે માથા પર શું આવી જાય
છે? બોજ નો ટોકરો આવી જાય છે. તો વિચારો તાજ અને ટોકરો બંને સામે લાવો, શું સારું
લાગે છે? ટોકરા સારા લાગે છે કે લાઈટ નો તાજ સારો લાગે છે? બોલો, ટીચર્સ શું સારું
લાગે છે? તાજ સારો લાગે છે ને? બધી કર્મેન્દ્રિયો નાં ઉપર રાજ્ય કરવા વાળા બાદશાહ
છો. પવિત્રતા લાઈટ નાં તાજધારી બનાવે છે એટલે તમારા યાદગાર જડ ચિત્રો માં ડબલ તાજ
દેખાડ્યા છે. દ્વાપર થી લઈને બાદશાહ તો ઘણાં બન્યાં છે, રાજા તો અનેક બન્યાં છે
પરંતુ ડબલ તાજધારી કોઈ નથી બન્યાં. બેફિકર બાદશાહ સ્વરાજ્ય અધિકારી પણ કોઈ નથી બન્યાં
કારણકે પવિત્રતા ની શક્તિ માયાજીત, કર્મેન્દ્રિય જીત વિજયી બનાવી દે છે. બેફિકર
બાદશાહ ની નિશાની છે - સદા સ્વયં પણ સંતુષ્ટ અને બીજાઓ ને પણ સંતુષ્ટ કરવા વાળા.
ક્યારેય પણ કોઈ અપ્રાપ્તિ જ નથી જે અસંતુષ્ટ હોય. જ્યાં અપ્રાપ્તિ છે ત્યાં
અસંતૃષ્ટતા છે. જ્યાં પ્રાપ્તિ છે ત્યાં સંતુષ્ટતા છે. એવાં બન્યાં છો? ચેક કરો -
સદા સર્વપ્રાપ્તિ સ્વરુપ, સંતુષ્ટ છો? ગાયન પણ છે - અપ્રાપ્તિ નથી કોઈ વસ્તુ
દેવતાઓનાં નહીં પરંતુ બ્રાહ્મણો નાં ખજાના માં. સંતુષ્ટતા જીવન નો શ્રેષ્ઠ શૃંગાર
છે, શ્રેષ્ઠ વેલ્યુ છે. તો સંતુષ્ટ આત્માઓ છો ને?
બાપદાદા એવાં બેફિકર બાદશાહ બાળકો ને જોઈ ખુશ થાય છે. વાહ મારા બેફિકર બાદશાહ વાહ!
વાહ! વાહ! છો ને? હાથ ઉઠાવો જે બેફિકર છે. બેફિકર? ફિકર નથી આવતી? ક્યારેક તો આવે
છે? ના? સારું છે. બેફિકર બનવાની વિધિ બહુ જ સહજ છે, મુશ્કેલ નથી. ફક્ત એક શબ્દ ની
માત્રા નું થોડું અંતર છે. તે શબ્દ છે - મારા ને તારા માં પરિવર્તન કરો. મારું નહીં
તારું, તો હિન્દી ભાષા માં મારું પણ લખો અને તારું પણ લખો તો શું ફરક થાય છે, હું
અને તે નો? પરંતુ ફરક એટલો થઈ જાય છે. તો તમે બધા મારા-મારા વાળા છો કે તારા-તારા
વાળા છો? મારા ને તારા માં પરિવર્તન કરી લીધું? નથી કર્યુ તો કરી લો. મારું-મારું
અર્થાત્ દાસ બનવા વાળા, ઉદાસ બનવા વાળા. માયા નાં દાસ બની જાય છે ને તો ઉદાસ તો હશે
ને? ઉદાસી અર્થાત્ માયા નાં દાસ બનવા વાળા. તો તમે માયાજીત છો, માયા નાં દાસ નથી.
તો ઉદાસી આવે છે? ક્યારેક-ક્યારેક ટેસ્ટ કરી લો છો, કારણકે ૬૩ જન્મ ઉદાસ રહેવાનો
અભ્યાસ છે ને? તો ક્યારેક-ક્યારેક તે ઈમર્જ થઈ જાય છે એટલે બાપદાદાએ શું કહ્યું?
દરેક બાળક બેફિકર બાદશાહ છે. જો હમણાં પણ ક્યાંક ખૂણા માં કોઈ ફિકર રાખી દીધી હોય
તો તે આપી દો. પોતાની પાસે બોજ કેમ રાખો છો? બોજ રાખવાની આદત પડી ગઈ છે? જ્યારે બાપ
કહે છે બોજ મને આપી દો, તમે લાઈટ થઈ જાઓ, ડબલ લાઈટ. ડબલ લાઈટ સારું છે કે બોજ સારો?
તો સારી રીતે ચેક કરજો. અમૃતવેલા જ્યારે ઉઠો તો ચેક કરજો કે વિશેષ વર્તમાન સમયે
સબકોન્શિયસ માં પણ કોઈ બોજ તો નથી? સબકોન્શિયસ તો શું સ્વપ્ન માત્ર પણ બોજ નો અનુભવ
ન થાય. પસંદ તો ડબલ લાઈટ છે ને? તો વિશેષ આ હોમ વર્ક આપી રહ્યાં છે, અમૃતવેલા ચેક
કરજો. ચેક કરતા તો આવડે છે ને, પરંતુ ચેક ની સાથે, ફક્ત ચેક નહીં કરતા ચેન્જ પણ કરજો.
મારા ને તારા માં ચેન્જ કરી દેજો. મારું, તારું. તો ચેક કરો અને ચેન્જ કરો કારણકે
બાપદાદા વારંવાર સંભળાવી રહ્યા છે-સમય અને સ્વયં બંને ને જુઓ. સમય ની ગતિ પણ જુઓ અને
સ્વયં ની ગતિ પણ જુઓ. પછી આ નહીં કહેતાં કે અમને તો ખબર જ નહોતી, સમય આટલો ઝડપી
ચાલ્યો ગયો. ઘણાં બાળકો સમજે છે કે હમણાં થોડો ઢીલો પુરુષાર્થ જો છે પણ, તો અંત માં
તીવ્ર કરી લઈશું. પરંતુ લાંબાકાળ નો અભ્યાસ અંત માં સહયોગી બનશે. બાદશાહ બનીને તો
જુઓ. બન્યાં છો પરંતુ કોઈ બન્યાં છે, કોઈ નથી બન્યાં. ચાલી રહ્યાં છીએ, કરી રહ્યાં
છીએ, સંપન્ન થઈ જઈશું… હવે ચાલવાનું નથી, કરવાનું નથી, ઉડવાનું છે. હવે ઉડવાની ગતિ
જોઈએ. પાંખો તો મળી ગઈ છે ને? ઉમંગ-ઉત્સાહ અને હિંમત ની પાંખો બધા ને મળી છે અને
બાપ નું વરદાન પણ છે, યાદ છે વરદાન? હિંમત નો એક કદમ તમારો અને હજાર કદમ મદદ બાપ
ની, કારણકે બાપ ને બાળકો સાથે દિલ નો પ્રેમ છે. તો પ્રેમ વાળા બાળકો ની બાપ મહેનત
નથી જોઈ શકતાં. મહોબ્બત માં રહો તો મહેનત સમાપ્ત થઈ જશે. મહેનત ગમે છે શું? થાકી તો
ગયા છો. ૬૩ જન્મ ભટકતા-ભટકતા મહેનત કરતા થાકી ગયા હતાં અને બાપે પોતાની મહોબ્બત થી
ભટકવાને બદલે ત્રણ તખ્ત નાં માલિક બનાવી દીધાં. ત્રણ તખ્ત જાણો છો? જાણો શું પરંતુ
તખ્ત નિવાસી છો. અકાળ તખ્ત નિવાસી પણ છો, બાપદાદા નાં દિલતખ્ત નશીન પણ છો અને
ભવિષ્ય વિશ્વ રાજ્ય નાં તખ્તનશીન પણ છો. તો બાપદાદા બધા બાળકો ને તખ્તનશીન જોઈ રહ્યાં
છે. એવું પરમાત્મ-દિલતખ્ત આખા કલ્પ માં અનુભવ નહીં કરી શકશો. શું સમજે છે પાંડવ?
બાદશાહ છો? હાથ ઉઠાવી રહ્યાં છે. તખ્ત નહીં છોડતાં. દેહભાન માં આવ્યાં અર્થાત્ માટી
માં આવી ગયાં. આ દેહ માટી છે. તખ્તનશીન બનો તો બાદશાહ બનો.
બાપદાદા બધા બાળકો નાં પુરુષાર્થ નો ચાર્ટ ચેક કરે છે. ચારેય સબ્જેક્ટ માં કોણ-કોણ
ક્યાં સુધી પહોંચ્યાં છે? તો બાપદાદાએ દરેક બાળકો નો ચાર્ટ ચેક કર્યો કે બાપદાદાએ
જે પણ ખજાના આપ્યાં છે તે સર્વ ખજાના ક્યાં સુધી જમા કર્યા છે? તો જમા નું ખાતું
ચેક કર્યુ કારણકે ખજાનો બાપે બધાને એક જેવો, એક જેટલો જ આપ્યો છે, કોઈને ઓછો, કોઈને
વધારે નથી આપ્યો. ખજાના જમા થવાની નિશાની શું છે? ખજાના તો ખબર જ છે ને? સૌથી મોટો
ખજાનો છે શ્રેષ્ઠ સંકલ્પો નો ખજાનો. સંકલ્પ પણ ખજાનો છે, તો વર્તમાન સમય પણ બહુ જ
મોટો ખજાનો છે કારણકે વર્તમાન સમય માં જે કાંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો, જે વરદાન લેવા
ઇચ્છો, જેટલાં પોતાને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છો, એટલાં હમણાં બનાવી શકો છો. હમણાં નહીં
તો ક્યારેય નહીં. જેવી રીતે સંકલ્પ નાં ખજાના ને વ્યર્થ ગુમાવવો અર્થાત્ પોતાની
પ્રાપ્તિઓ ને ગુમાવવી. એવી રીતે સમય ની એક સેકન્ડ ને પણ વ્યર્થ ગુમાવવી, સફળ ન કરી
તો બહુ જ ગુમાવ્યું. સાથે જ્ઞાન નો ખજાનો, ગુણો નો ખજાનો, શક્તિઓ નો ખજાનો અને દરેક
આત્મા અને પરમાત્મા દ્વારા દુવાઓ નો ખજાનો. સૌથી સહજ છે પુરુષાર્થ માં “દુવાઓ આપો
અને દુવાઓ લો.” સુખ આપો અને સુખ લો, ન દુઃખ આપો ન દુઃખ લો. એવું નહીં કે દુઃખ આપ્યું
નથી પરંતુ લઈ લીધું તો પણ દુઃખી તો થશો ને? તો દુવાઓ આપો, સુખ આપો અને સુખ લો.
દુવાઓ આપતા આવડે છે? આવડે છે? લેતાં પણ આવડે છે? જેને દુવાઓ લેતાં અને આપતા આવડે છે
તે હાથ ઉઠાવો. અચ્છા - બધાને આવડે છે? અચ્છા - ડબલ ફોરેનર્સ ને પણ આવડે છે? મુબારક
છે, આપતા આવડે છે લેતાં આવડે છે તો મુબારક છે. બધાને મુબારક છે, જો લેતાં પણ આવડે
અને દેતાં પણ આવડે પછી બીજું જોઈએ શું? દુવાઓ લેતાં જાઓ દુવાઓ આપતા જાઓ, સંપન્ન થઈ
જશો. કોઈ બદ-દુવા આપે તો શું કરશો? લેશો? બદ-દુવા તમને આપે છે તો તમે શું કરશો? લેશો?
જો બદ-દુવા માનો લઈ લીધી તો તમારી અંદર સ્વચ્છતા રહી? બદ-દુવા આ તો ખરાબ વસ્તુ છે
ને? તમે લઈ લીધી, પોતાની અંદર સ્વીકાર કરી લીધી તો તમારી અંદર સ્વચ્છતા તો નહીં રહી
ને? જો જરા પણ ડિફેક્ટ રહી તો પરફેક્ટ નથી બની શકતાં. જો ખરાબ વસ્તુ કોઈ આપે તો શું
તમે લઈ લેશો? કોઈ બહુ જ સુંદર ફળ હોય પરંતુ તમને ખરાબ થયેલું આપી દે, ફળ તો સારું
છે તો પણ લઈ લેશો? નહીં લેશો ને કહેશો સારું તો છે, ચલો, આપ્યું છે તો લઈ લઈએ?
ક્યારેય પણ કોઈ બદ-દુવા આપે તો તમે મન માં અંદર ધારણ નહીં કરો. સમજ માં આવે છે આ
બદ-દુવા છે પરંતુ બદ-દુવા અંદર ધારણ નહીં કરો, નહીં તો ડિફેક્ટ થઈ જશે. તો હમણાં આ
વર્ષ, હવે થોડા દિવસ બાકી છે જૂનાં વર્ષ માં પરંતુ પોતાનાં દિલ માં દૃઢ સંકલ્પ કરો,
હજી પણ કોઈની બદ-દુવા મન માં હોય તો કાઢી નાખો અને કાલ થી દુવાઓ આપશો અને દુવાઓ લેશો.
મંજુર છે? પસંદ છે? પસંદ છે કે કરવાનું જ છે? પસંદ તો છે પરંતુ જે સમજે છે કરવું જ
છે, કાંઈ પણ થઈ જાય, પરંતુ કરવું જ છે, તે હાથ ઉઠાવો. કરવું જ છે.
જે સ્નેહી સહયોગી આજે આવ્યાં છે તે હાથ ઉઠાવો. તો જે સ્નેહી સહયોગી આવ્યાં છે,
બાપદાદા એમને મુબારક આપી રહ્યાં છે કારણકે સહયોગી તો છો, સ્નેહી પણ છો પરંતુ આજે એક
વધારે કદમ ઉઠાવીને બાપ નાં ઘર માં અથવા પોતાનાં ઘર માં આવ્યાં છો, તો પોતાનાં ઘર
માં આવવાની મુબારક છે. અચ્છા, જે સ્નેહી સહયોગી આવ્યાં છે તે પણ સમજે છે કે દુવાઓ
આપીશું અને લઈશું? સમજો છો? હિંમત રાખો છો? જે સ્નેહી સહયોગી હિંમત રાખે છે, મદદ
મળશે, લાંબો હાથ ઉઠાવો. અચ્છા. પછી તો તમે પણ સંપન્ન થઈ જશો, મુબારક છે. અચ્છા, જે
ગોડલી સ્ટુડન્ટ રેગ્યુલર છે, ભલે બ્રાહ્મણ જીવન માં બાપદાદા ને મળવા પહેલી વાર આવ્યાં
છે પરંતુ પોતાને બ્રાહ્મણ સમજે છે, રેગ્યુલર સ્ટુડન્ટ સમજે છે તે જો સમજે છે કે કરવું
જ છે, તે હાથ ઉઠાવો. દુવાઓ આપીશું, દુવાઓ લઈશું? કરશો? ટીચર્સ ઉઠાવી રહ્યાં છે? આ
કેબિન વાળા નથી ઉઠાવી રહ્યાં. આ સમજે છે કે અમે તો આપીએ જ છીએ. હવે કરવાનું જ છે.
કાંઈ પણ થઈ જાય, હિંમત રાખો. દૃઢ સંકલ્પ રાખો. જો સમજો ક્યારેક બદ-દુવા નો પ્રભાવ
પડી પણ જાય ને તો ૧૦ ગુણા દુવાઓ વધારે આપીને એને ખતમ કરી દેજો. એક બદ-દુવા નાં
પ્રભાવ ને ૧૦ ગુણા દુવાઓ આપીને હલકો કરી દેજો પછી હિંમત આવી જશે. નુકસાન તો પોતાને
થાય છે ને? બીજા તો બદ-દુવા આપીને ચાલ્યાં ગયા પરંતુ જેણે બદ-દુવા સમાવી લીધી, દુઃખી
કોણ થાય છે? લેવા વાળા કે આપવા વાળા? આપવા વાળા પણ થાય છે પરંતુ લેવા વાળા વધારે
થાય છે. આપવા વાળા તો અલબેલા હોય છે.
આજે બાપદાદા પોતાનાં દિલ ની વિશેષ આશા સંભળાવી રહ્યાં છે. બાપદાદા ની બધા બાળકો
પ્રત્યે, એક-એક બાળકો પ્રત્યે ભલે દેશ કે વિદેશ માં છે, ભલે સહયોગી છે કારણકે સહયોગી
ને પણ પરિચય તો મળ્યો છે ને? તો જ્યારે પરિચય મળે છે તો પરિચય થી પ્રાપ્તિ તો કરવી
જોઈએ ને? તો બાપદાદા ની આ જ આશા છે કે દરેક બાળકો દુવાઓ આપતા રહે. દુવાઓ નો ખજાનો
જેટલો જમા કરી શકો એટલો કરતા જાઓ કારણકે આ સમયે જેટલી દુવાઓ ભેગી કરશો, જમા કરશો
એટલી જ જ્યારે તમે પૂજ્ય બનશો તો આત્માઓ ને દુવાઓ આપી શકશો. ફક્ત હમણાં દુવાઓ તમારે
નથી આપવાની, દ્વાપર થી લઈને ભક્તો ને પણ દુવાઓ આપવાની છે. તો આટલો દુવાઓ નો સ્ટોક
જમા કરવાનો છે. રાજા બાળકો છો ને? બાપદાદા દરેક બાળક ને રાજા બાળક જુએ છે. ઓછા નહીં.
અચ્છા.
બાપદાદા ની આશા અન્ડરલાઈન કરી? જેમણે કરી તે હાથ ઉઠાવો, કરી લીધી. અચ્છા. બાપદાદાએ
૬ મહિના નું હોમવર્ક પણ આપ્યું છે, યાદ છે? ટીચર્સ ને યાદ છે? પરંતુ આ દૃઢ સંકલ્પ
નું રીઝલ્ટ એક મહિના નું જોશે કારણકે નવું વર્ષ તો જલ્દી શરુ થવાનું છે. ૬ મહિના
નું હોમવર્ક પોતાનું છે, આ એક મહિનો દૃઢ સંકલ્પ નું રીઝલ્ટ જોશે. ઠીક છે ને? ટીચર્સ,
એક મહિનો ઠીક છે? પાંડવ, ઠીક છે? અચ્છા - જે પહેલીવાર મધુબન માં પહોંચ્યાં છે, તે
હાથ ઉઠાવો. બહુ જ સરસ. જુઓ, બાપદાદા ને સદા નવાં બાળકો બહુ જ પ્રિય લાગે છે. પરંતુ
નવાં બાળકો જેમ વૃક્ષ હોય છે ને, એમાં જે નાનાં-નાનાં પાન નીકળે છે તે ચકલીઓ ને તો
બહુ જ પ્રિય લાગે છે, એમ નવાં-નવાં જે બાળકો છે તો માયા ને પણ નવાં બાળકો બહુ જ
પ્રિય લાગે છે એટલે દરેક જે નવાં છે, તે દરરોજ પોતાની નવીનતા ને ચેક કરજો, આજ નાં
દિવસે પોતાનાં માં શું નવીનતા લાવી? કયો વિશેષ ગુણ, કઈ શક્તિ પોતાનાં માં વિશેષ
ધારણ કરી? તો ચેક કરતા રહેશો, સ્વયં ને પરિપક્વ કરતા રહેશો તો સુરક્ષિત રહેશો. તો
અમર રહેજો, તો અમર પદ મેળવવાનું જ છે. અચ્છા!
ચારેય તરફ નાં બેફિકર બાદશાહો ને, સદા રુહાની ફખુર માં રહેવા વાળા શ્રેષ્ઠ આત્માઓ
ને, સદા પ્રાપ્ત થયેલા ખજાનાઓ ને જમા ખાતા માં વધારવા વાળા તીવ્ર પુરુષાર્થી આત્માઓ
ને, સદા એક સમય માં ત્રણેય પ્રકાર ની સેવા કરવા વાળા શ્રેષ્ઠ સેવાધારી બાળકો ને
બાપદાદા નાં યાદ-પ્યાર, પદમ-પદમ-પદમ ગુણા યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
સર્વ શક્તિઓ
ને ઓર્ડર પ્રમાણે પોતાની સહયોગી બનાવવા વાળા પ્રકૃતિજીત ભવ
સૌથી મોટા માં મોટી
દાસી પ્રકૃતિ છે. જે બાળકો પ્રકૃતિજીત બનવાનું વરદાન પ્રાપ્ત કરી લે છે એમનાં ઓર્ડર
પ્રમાણે સર્વ શક્તિઓ અને પ્રકૃતિ રુપી દાસી કાર્ય કરે છે અર્થાત્ સમય પર સહયોગ આપે
છે. પરંતુ જો પ્રકૃતિજીત બનવાને બદલે અલબેલા પણા ની નિંદ્રા માં અથવા અલ્પકાળ ની
પ્રાપ્તિ નાં નશા માં અથવા વ્યર્થ સંકલ્પો નાં નાચ માં મસ્ત થઈને પોતાનો સમય ગુમાવો
છો તો શક્તિઓ ઓર્ડર પર કાર્ય નથી કરી શકતી એટલે ચેક કરો કે પહેલાં મુખ્ય સંકલ્પ
શક્તિ, નિર્ણય શક્તિ અને સંસ્કાર ની શક્તિ ત્રણેય ઓર્ડર માં જ છે?
સ્લોગન :-
બાપદાદા નાં
ગુણ ગાતા રહો તો સ્વયં પણ ગુણમૂર્ત બની જશો.
અવ્યક્ત ઇશારા - “
કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
કમ્બાઇન્ડ સેવા વગર
સફળતા અસંભવ છે. એવું નથી કે જાઓ સેવા કરવા અને પાછા આવો તો કહો માયા આવી ગઈ, મૂડ
ઓફ થઈ ગયો, ડિસ્ટર્બ થઈ ગયા એટલે અંડરલાઇન કરો - સેવા માં સફળતા અથવા સેવા માં
વૃદ્ધિ નું સાધન છે સ્વ ની સેવા અને સર્વ ની કમ્બાઇન્ડ સેવા.